વિજાપુરના ખત્રીકૂવા પાસે સનરાઈઝ કોમ્પલેક્ષમાંથી 11 સાગરીતો જુગાર રમતા પકડાયા

વિજાપુર શહેરના ખત્રીકુવા વિસ્તારમાં સનરાઈઝ કોમ્પલેક્ષમાં ચાલતા જુગારધામ ઉપર ડીજી વિજિલન્સ ત્રાટકી હતી. વિજિલન્સે 11 સાગરીતો પાસેથી રૂપિયા 43,060 ની રોકડ રકમ, 12 મોબાઈલ અને 2 બાઈક જપ્ત કરી વિજાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. વિજાપુર શહેરના ખત્રીકુવા વિસ્તારમાં નટવરજી ઠાકોર નામનો સાગરીત વર્ષોથી જુગારધામ ચલાવી રહ્યો છે. 3 માસ અગાઉ ડીજી વિજિલન્સે દરોડો કર્યો હોવા છતાં પણ જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે ફરીથી દરોડો પડ્યો હતો. દરોડા દરમિયાન નટવરજી ઠાકોર સાથે 11 સાગરીતો પકડાયા હતા. વિજિલન્સે સાગરીતો પાસેથી રૂપિયા 43,060 ની રોકડ, 12 મોબાઈલ અને 2 બાઈક કબ્જે કર્યા હતા. બાકીના સાગરીતોઓના નામ માટે વિજાપુર પોલીસ મથકમાં 4-4 વખત ફોન કરવા છતાં હજુ સુધી ફરિયાદ નોંધાઈ નહી હોવાનું ફરજ પરના પીએસઓએ રટણ કરે રાખ્યુ હતુ. પીએસઆઈ એન.એસ.ઘેટીયાને જાણ કરવા છતાં પણ સાગરીતોના નામ આપ્યા ન હોતા. ત્યારે ડીજી વિજિલન્સની બબ્બે વખત દરોડો પાડવા છતાં કોની રહેમ નજર હેઠળ આ જુગારધામ ચાલી રહ્યુ હતુ તેવા અનેક સવાલો નાગરીકોના મનમાં ઉઠી રહ્યાં છે.