બોરસદ તાલુકાના ભાદરણના પ્રતાપપુરામાં વકીલ, તેમના કાકાના મકાનમાંથી તસ્કરી

બોરસદ તાલુકાના ભાદરણ ગામ સ્થિત પ્રતાપપુરામાં વકીલ અને તેમના કાકાના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ તેમાંથી રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1.39 લાખની મત્તાની તસ્કરી કરી હતી. આ મામલે ભાદરણ પોલીસે તસ્કરીનો ગુનો નોંધી ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લઈ તસ્કરીનું પગેરૂં શોધવાની તજવીજ હાથ ધરી છે. હાડગુડ ગામ સ્થિત આલોક બંગ્લો ખાતે નરેન્દ્રકુમાર ખુશાલભાઈ સોલંકી રહે છે. તેઓ વ્યવસાયે વકીલ છે. તેમનું મૂળ વતન ભાદરણ ગામ સ્થિત પ્રતાપપુરા છે. પ્રતાપપુરા કાશીબા સ્ટ્રીટ ખાતે તેમના માતા-પિતા તથા કાકા રહે છે. જોકે, થોડાં સમય અગાઉ તેમના માતાનું મૃત્યુ થતાં તેમના પિતા ખુશાલભાઈ ક્યારેક નરેન્દ્રકુમાર સાથે તો વળી ક્યારેક તેમના ખંભાત રહેતા ભાઈના ઘરે રહેતા હતા. આમ, છેલ્લાં ત્રણેક માસથી ભાદરણનું મકાન બંધ રહેતું હતું. એ જ રીતે બીજી તરફ તેમની પડોશમાં રહેતા તેમના કાકાનું મકાન પણ, પરિવારજનો અમદાવાદ રહેતા હોય બંધ રહેતું હતું.આ બંને બંધ મકાનોને રાત્રિના અરસામાં તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આ અંગેની જાણ તેમને થતાં તેઓ તાબડતોડ તેમના વતન દોડી ગયા હતા. દરમિયાન તજવીજ હાથ ધરી હતી. જેમાં તસ્કરોએ તેમના ઘરમાંનો મુખ્ય દરવાજાનો નકુચો તોડી તિજોરીમાં મુકેલા રૂપિયા 67 હજારની કિંમતના સોના ચાંદીના દાગીના તથા પડોશમાં આવેલા તેમના કાકાના મકાનમાંથી પણ રૂપિયા 72 હજારની કિંમતના સોના-ચાંદીના દાગીનાની તસ્કરી કરી હોવાનું માલૂમ પડ્યું હતું.