રાજુલા તાલુકાના શિવ મંદિરમાંથી તસ્કરો ચાંદીનું શિવજીનું મહોરૂં અને છતર ઉઠાવી ગયા

રાજુલા તાલુકાના જોલાપરમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાકટયા હતા. તસ્કરો અહીથી શિવજીનુ ત્રણ કિલો ચાંદીનુ મહારૂ અને છતર મળી કુલ રૂપિયા 2.96 લાખના મુદામાલની તસ્કરી કરીને લઇ જતા આ બારામા ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવાઈ છે. મંદિરમાં તસ્કરીની આ ઘટના રાજુલાના જોલાપરમા બની હતી. અહી આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરમાં સેવાપુજા કરતા વિલાસભારથી મકુભારથી ગૌસ્વામીએ ડુંગર પોલીસ સ્ટેશનમાં લખાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે રાત્રીના અરસામાં અજાણ્યા તસ્કરો શિવ મંદિરમાં ત્રાકટયા હતા. તસ્કરો અહીથી શિવલીંગને ચડાવવા માટે ચાંદીનુ શિવજીનુ મહોરૂ ત્રણ કિલો વજનનુ કિંમત રૂપિયા 2,78,287 અને એક છતર મળી કુલ રૂપિયા 2,96,287 ના મુદામાલની તસ્કરી કરીને લઇ ગયા હતા. શિવ મંદિરમાં તસ્કરી થયાની જાણ થતા પોલીસ અહી દોડી ગઇ હતી અને તસ્કરોની ભાળ મેળવવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વધુ તપાસ પીએસઆઇ પી.બી.ચાવડા ચલાવી રહ્યાં છે.