ગણેશનગરમાં ઘરમાંથી રોકડ દાગીના સહિત 75 હજારની માલમત્તાની તસ્કરી

ભુજ શહેર ગણેશનગરમાં એક મકાનના બાજુના ઓરડામાં દંપતિ ભરનિંદરામાં હતું ને, નિશાચરો બહારથી કડી મારી બીજા રસોડાની બારીના સળીયા તોડી રૂપિયા 20 હજાર રોકડા, 5 હજારની ચાંદીની વસ્તુ અને સરકારી ડોક્યુમેન્ટ સાથેનું 50 હજારનું લેપટોપ બેગ સાથે ઉઠાવી જતાં ચકચાર મચી જવા પામી છે.તસ્કરીની ઘટના અંગે ભુજ ગણેશનગર ખાતે ગણેશમંદિરની બાજુની શેરીમાં રહેતા અને ભુજ ડીઆઇએલઆરમાં ડિસ્ટ્રક્ટ સર્વેયર તરીકે ફરજ બજાવતા હરેશકુમાર ભેરારામ ઉર્ફે ભાનુશંકરભાઇ જોષીએ ફરિયાદ લખાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ બનાવ રાત્રીના અરસા થી બીજા દિવસે સવારના અરસામાં બન્યો હતો. ફરિયાદી અને તેમના પિતાના એકજ મકાનમાં બાજુ બાજુના ઓરડા હોઇ ફરિયાદી પોતાના અને તેનો પરિવાર પોતાના ઓરડામાં સુતો હતો.દરમિયાન રાત્રીના અરસામાં કોઇ અજાણ્યા તસ્કરોએ ફરિયાદીના રૂમના દરવાજાને બહારથી બંધ કરી બાજુમાં આવેલા ફરિયાદીના પિતાના રૂમની બારીના સળીયા તોડી રસોડામાંથી પ્રવેશ્યા હતા. અને રૂમમાં રાખેલ તિજોરી અને પતરાની પેટીમાંથી સામાન રફેદફે કરીને કબાટની તીજોરી તોડી રૂપિયા 20 હજાર અને પેટીમાં રાખેલ ચાંદીની વસ્તુ કિંમત રૂપિયા 5 હજાર તેમજ ખાટલા પર બેગમાં રહેલું રૂપિયા 50 હજારનું લેપટોપ સાથે સરકારી માપણી સાથેના જરૂરી કાગળો એટીએમ કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મળીને કુલ રૂપિયા 75 હજારની તસ્કરી કરી ગયા હતા.સવારના અરસામાં રૂમનો દરવાજો બંધ હોઇ ફરિયાદીએ બુમો મારીને લોકોને બોલાવ્યા હતા. અને રૂમ ખોલાવી તપાસ કરતાં તસ્કરી થઇ હોવાનું સામે આવ્યું હતું. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ તસ્કરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.