જૂનાગઢમાં દોલતપરા વિસ્તારમાં બોનસના પૈસા તમારા ખાતામાં જમા કરાવવાની લાલચ આપી આધેડ સાથે અજાણ્યા ઇસમે છેતરપિંડી કરી

જૂનાગઢમાં દોલતપરા વિસ્તારમાં રહેતા આધેડ સાથે એક ઇસમે છેતરપિંડી કરી હતી. આધેડને ફાઇનાન્સ કર્મચારીની ઓળખ આપી બોનસના પૈસા તમારા ખાતામાં જમા કરાવવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી. ઇસમે આધેડ પાસેથી ખાતાની વિગતો મેળવી લઈ અડધા લાખની રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. આ અંગે આધેડે સાયબર સ્ટેશનમાં ફરીયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. દેશમાં એકતરફ ડીજીટલ વ્યવહારો વધતા જાય છે તેમ તેમ લાલચ આપવા જેવા અનેક પ્રલોભનો આપી લોકો પાસેથી ખાતા નંબર, પાસવર્ડ અને એટીએમ કાર્ડના નંબરો મેળવી ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ત્યારે જૂનાગઢના એક આધેડ આવી જ એક લાલચનો શિકાર બન્યા છે.આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર શહેરના દોલતપરામાં ઈન્દ્રેશ્વર રોડ પર રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા અરવિંદભાઈ ઘેલાભાઈ ચાવડાને એક ફોન આવ્યો હતો. જેમાં સામેથી અજાણ્યા ઇસમે બજાજ ફાઈનાન્સ કંપનીમાંથી બોલતા હોવાનું જણાવી તમારા બનેવીએ નંબર આપ્યો છે.તેમને રૂ.6,200ની રકમનું બોનસ આપવાનું છે. જે રકમ હું તમારા બેંક ખાતામાં નાખું છું તમે તેને આપી દેજો તેમ કહ્યુ હતું.ત્યારબાદ તેણે કોન્ફરન્સમાં વાત પણ કરાવી વિશ્વાસ અપાવ્યો હતો. અરવિંદભાઈ પાસેથી અજાણ્યા શખ્સએ એટીએમના આગળના ભાગે આવેલા 16 આંકડાનો નંબર અને સીવીવી કોડ નંબર મેળવી લઈ અરવિંદભાઈના ખાતામાંથી જુદા જુદા ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂ.49,747 ટ્રાન્સફર કરી લીધા હતા. જેની જાણ થતા અરવિંદભાઈએ જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ સામે ફરીયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.