વડોદરામાં પટેલ એસ્ટેટની ડ્રમ બનાવવાની ફેકટરીમાં ડ્રમ બનાવવાની ડાય તથા સ્ક્રેપ મળી 9.75 લાખ રૂપિયાની મત્તાની તસ્કરી

વડોદરા શહેરના પ્રતાપ નગર વિસ્તારમાં પટેલ એસ્ટેટ ખાતેની ડ્રમ બનાવવાની ફેકટરીમાં ત્રાટકેલા અજાણ્યા તસ્કરો ડ્રમ બનાવવાની ડાય તથા સ્ક્રેપ મળી 9.75 લાખ રૂપિયાની મત્તાની તસ્કરી કરી ફરાર થઈ જવાનો બનાવ પોલીસ મથકે લખાવ્યો છે. નોંધનીય છે કે, તસ્કરોએ ફેક્ટરીના છાપરા વાટે અંદર પ્રવેશી સીસીટીવી કેમેરા ઊંચા કરી દઈ ફેક્ટરીના ગેટનું તાળું તોડી ટેમ્પો લાવી સામાન ભરી જઈ તસ્કરી કરી ફરાર થઇ ગયા હતા. વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં રહેતા ફિદાઅલી ટીનવાલા પ્રતાપનગર રોડ ઉપર યમુનામિલ ખાતે પટેલ એસ્ટેટની સામે આરતી કન્ટેનર તરીકે ડ્રમ બનાવવાની ફેક્ટરી ધરાવે છે.ફેક્ટરી રાબેતા મુજબ બંધ કરવામાં આવી હતી. બીજા દિવસે સવારના અરસામાં ફેક્ટરીમાં તસ્કરી થયાની કર્મચારીએ જાણ કરી હતી. ફેક્ટરીમાં ત્રાટકેલા અજાણ્યા તસ્કરો ડ્રમ બનાવવાની રૂપિયા 8 લાખની કિંમત ધરાવતી 14 નંગ ડાય, 3 ટન વજનનો રૂપિયા 1.25 લાખની કિંમતનો સ્ક્રેપ અને રૂપિયા 50 હજારની કિંમતના ધરાવતા ડ્રમના 4 હજાર નંગ હેન્ડલની તસ્કરી નાસી ગયા હતા. ફેક્ટરીની દિવાલ ઉપર પતરૂ વાંકુ કરી ફેક્ટરીમાં પ્રવેશી સીસીટીવી કેમેરામાં છેડછાડ કરી ફેક્ટરીના ગેટનું તાળું તોડી ટેમ્પોમાં સામાનની તસ્કરી કરી અજાણ્યા તસ્કરો નાસી ગયા હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે. આ બનાવ અંગે વાડી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.શહેર પોલીસ તંત્ર દારૂ પકડવામાં વ્યસ્ત હોઇ, તસ્કરોને ચોરીઓ કરવામાં મોકળું મેદાન મળી ગયું છે. શહેરમાં છેલ્લા પંદર દિવસમાં તસ્કરો લાખો રૂપિયાનો મુદ્દામાલની તસ્કરી કરી ગયા છે. પોલીસ તંત્ર દ્વારા એકપણ તસ્કરીના ગુનાનો ભેદ ઉકેલી શકી નથી.