પેટલાદના દેવકુવા ભાગોળ વિસ્તારમાં ચાલી રહેલા વરલી મટકાના જુગારના અડ્ડા ઉપર આખરે સ્ટેટ વિજીલન્સે દરોડો પાડી જુગાર રમતાં 7 ઈસમ ઝડપાયા

પેટલાદના દેવકુવા ભાગોળ વિસ્તારમાં ચાલી રહેલા વરલી મટકાના જુગારના અડ્ડા પર સ્થાનિક પોલીસ કાર્યવાહી ન કરતાં આખરે સ્ટેટ વિજીલન્સે દરોડો પાડી જુગાર રમતાં 7 ઈસમને ઝડપી પાડ્યાં હતાં. આ તમામ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, મુખ્ય સુત્રધાર ફરાર થઇ ગયો હતો.પેટલાદ શહેરના દેવકુવા ભાગોળમાં વરલી મટકાનો જુગારનો અડ્ડો ચાલી રહ્યાની ફરિયાદ છે વિજીલન્સ સુધી પહોંચી હતી. આથી, બપોરના ના અરસામાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં જુગાર રમતાં 7 ઈસમ ઝડપાયા હતાં. જેની પુછપરછ કરતાં તે સલમાન નાસીર પઠાણ, હરિશ મોહન મોચી, મૈયુદ્દીન બદરૂદ્દીન મલેક, ફૈજાન શબ્બીર સૈયદ, ખોડા મફત ઠાકોર, છોટા બાબર તળપદા, ગીરીશ મનુ વાળંદ હોવાનું જણાવ્યું હતું. જ્યારે નાસીર ડોસુ પઠાણ નામનો મુખ્ય સુત્રધાર ફરાર થઇ ગયો હતો. જોકે, પોલીસે સ્થળ પરથી રોકડ સહિત કુલ રૂ.18,678 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને નાસીર ડોસુ પઠાણની અટક માટે ચક્રોગતિમાન કર્યાં હતાં.સાતેય સામે માસ્ક ન પહેરવાનો ગુનો નોંધાયો. સ્ટેટ વિજીલન્સ દ્વારા પેટલાદના જુગારના અડ્ડા પર કાર્યવાહીમાં ઝડપાયેલા સાતેય ઈસમ અને નાસી છૂટેલા ઈસમ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધવા ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ મુજબ પણ ગુનો નોંધ્યો હતો.