વિસનગરના પાલડી નજીક કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારતા બાઈક ચાલકનું મૃત્યુ

મહેસાણા જિલ્લાના વિસનગર પાસે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વિસનગરના પાલડી પાસે કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારતા બાઈક ચાલક યુવકનું મૃત્યુ નીપજયું હતું. જે મામલે હાલમાં સ્વીફ્ટ ગાડીના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ લખાવાઈ છે. આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ પાલડીથી હસનપુરા બાજુ રોનક ચૌધરી પોતાનું GJ 02 CK 6570 નંબરનું બાઈક લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન રોડ પર એક સ્વીફ્ટ ગાડી GJ 08 ck 1913 ના ચાલકે પોતાની ગાડી પુરઝડપે હંકારી બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઈક ચાલક રોનક ચૌધરીનું મૃત્યુ થયું હતું. આ અકસ્માત મામલે મૃતકના કાકા મહેશકુમાર ચૌધરીએ ગાડીના ચાલક વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ અને એમવી એક્ટ કલમ મુજબ ફરિયાદ દાખલ કરાવી છે.