તારાપુર વટામણ રોડ પર ઇસરવાડામાં ટ્રકે અજાણ્યા યુવકને અડફેટે લેતા મૃત્યુ

તારાપુર વટામણ રોડ પર ઇસરવાડા નહેર નજીકથી ટ્રક ચાલકે ટ્રક ગફલતભરી રીતે હંકારીને રસ્તેથી પસાર થતાં રાહદારીને ટક્કર મારી ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મૃત્યુ નિપજયું હતું. પોલીસ સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ તારાપુર વટામણ રોડ ઇસરવાડા ગામની સીમમાં નહેરના ગરનાળા પાસેથી સાંજના અરસામાં 35 વર્ષનો યુવક ચાલીને પસાર થઇ રહ્યો હતો. ત્યારે પુરઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે ટ્રક ગફલભરી રીતે હંકારીને રાહદારીને અડફેટમાં રાહદારી રોડ પર પટકાતાં શરીરે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મૃત્યુ નિપજયું હતું. જે અંગે વિજયસિંહ ઉદેસિંહ રાઉલજીએ તારાપુર પોલીસ સ્ટેશને ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.