શીલ ગામે વાડી વિસ્તારના રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકયા, રૂ.એક લાખથી વધુની મતાની તસ્કરી

માંગરોળ નજીકના શીલ ગામે વાડી વિસ્તારમાં તસ્કરો ત્રાટકયા હતા અને મકાનનું તાળુ તોડી રોકડ અને સોનાના દાગીનાની તસ્કરી કરી રફુચક્કર થઈ ગયા હતા. આ બનાવની જાણ પરિવારજનોને થતા તેમને પોલીસ ફરિયાદ લખાવી હતી.આ અંગેની પોલીસમાંથી મળતી વિગત અનુસાર શીલ ગામે રહેતાં ઉમેશભાઈ આણદભાઈ બામણીયાએ લખાવેલી ફરિયાદ મુજબ તેમની વાડી સ્થિત રહેણાંક મકાનમાં તસ્કર ટોળકી ત્રાટકી હતી અને દરવાજો, બારી તોડી નાખી અંદર પ્રવેશ કર્યો હતો. બાદમાં લોકર ખાનુ તોડી તેમાં રહેલ રોકડ રૂ.50 હજાર, સોનાનો ચેન કિંમત રૂ.40 હજાર અને બુટી સહિત રૂ.130000ના મુદ્દામાલની તસ્કરી કરી ગયા હતા.આ બનાવની જાણ થતાં જ ઉમેશભાઈ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ લખાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તજવીજ હાથ ધરી. આ તસ્કરોને પકડી લેવા કાર્યવાહી હાથ ધરી છે.