મહેસાણા તાલુકાના ખેરવા પાસે ટી સ્ટોલ પર છાત્રો બાખડ્યાં, છરીના ઘા મારતાં ઇજા પહોચી

મહેસાણા તાલુકાના ખેરવા પાસે ગણપત યુનિવર્સિટીની બહાર ટી સ્ટોલ ઉપર બપોરના અરસામાં વિદ્યાર્થીઓના બે જૂથ ઝઘડ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓને છોડાવવા જતાં અન્ય વિદ્યાર્થીએ તેની અદાવત રાખી છરી મારતાં માથામાં વાગી હતી. સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા વિદ્યાર્થીએ ખેરવાના યુવક સામે ફરિયાદ લખાવી હતી.પાલનપુરના ચિત્રાસણીનો અશ્વિન ચેહરાભાઈ ચૌધરી ગણપત યુનવર્સિટીમાં બીએસસી કેમેસ્ટ્રીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. સવારના અરસામાં ચા પીવા યુનિવર્સિટી બહાર ટી સ્ટોલ ઉપર આવ્યો હતો. આ સમયે વિદ્યાર્થીઓ ઝઘડતા હોઇ છોડાવવા જતાં ખેરવાના પાર્થ પ્રજાપતિએ ધક્કો મારી તું કેમ વચ્ચે પડે છે તેમ કહી ત્યાંથી નીકળી ગયો હતો.બપોરના અરસાની રીશેષમાં ટી સ્ટોલ ઉપર જતાં પાર્થ પ્રજાપતિએ અશ્વિન ચૌધરીને અપશબ્દો બોલતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. પાર્થએ છરી મારતાં અશ્વિનને માથામાં વાગતાં 3 ટાંકા આવ્યા હતા. જ્યારે સોનાનો દોરો તૂટીને પડી ગયો હતો. આ બનાવ અંગે અશ્વિન ચૌધરીએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ખેરવાના પ્રજાપતિ પાર્થ વસંતભાઈ સામે ફરિયાદ લખાવી છે.