વલસાડમાં 2 એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલી 5 કારમાંથી કારટેપની તસ્કરી

વલસાડના તિથલ રોડ ઉપર આવેલા 2 એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલી 5 કારમાંથી કારટેપ તસ્કરી જવાની ઘટના સામે આવી છે. આ કારમાંથી સાગમટે કારટેપ એક જ રાતના અરસામાં ચોરાઇ જતાં પોલીસ જાણ કરવામાં આવી હતી. આ બનાવના પગલે શહેરમાં પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાની જરૂરત પર ભાર મૂકાયો છે. વલસાડના પોશ વિસ્તાર તિથલ રોડ ઉપર આવેલા સિધ્ધિ એપાર્ટમેન્ટ અને સંસ્કાર રો હાઉસમાં પાર્કિગમાં વાહનો પાર્ક કરાયા હતા.રાત્રિના અરસામાં આ એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલી 5 કારના માલિકોએ સવારના અરસામાં જોતાં કારમાંથી કારટેપ કાઢીને કોઇ 4 શખ્સો તસ્કરી ગયા હોવાનું માલૂમ પડ્યું હતું.જેને લઇ સોસાયટીમાં ચકચાર મચી ગઇ હતી. કારટેપ તસ્કરી કરતી ટોળકી ફરી સક્રિય થઇ હોવાની પ્રતિતી લોકોને થઇ હતી. આ બાબતે રહીશોએ પોલીસને જાણ કરી હતી. અગાઉ પણ વલસાડના સ્વર્ગાશ્રમ મંદિર રોડ પર આવેલી રાજેશ્વરી અને મધુબન સોસાયટીમાં કેટલાક શંકાસ્પદ શખ્સો રેકી કરતા હોવાના દશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા.જેની સોસાયટીના રહીશો દ્વારા પોલીસને મૌખિક જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તિથલ રોડના સિધ્ધિ એપાર્ટમેન્ટ અને સંસ્કાર રો હાઉસ સોસાયટીના પાર્કિંગમાંથી 5 કારના કારટેપની તસ્કરીની ઘટના સામે આવી હતી. જેને લઇ નાઇટ પેટ્રોલિંગને વધુ તેજ બનાવવાની આવશ્યક્તા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.