મુંદરામાં 7.30 લાખની રોકડ રકમની તસ્કરી

ભુજ બંદરિય મુંદરાની બજારમાં બે દિવસ પુર્વે રાતના અરસા વચ્ચે જ તસ્કરોએ ચાર દુકાનોમાં તસ્કરી કરી હોવાનો બનાવ હજુ તાજો જ છે. ત્યાં રહેણાંક મકાનને તસ્કરોએ ગણતરીના કલાકોમાં જ નિશાન બનાવી માતબર રોકડ રકમની તસ્કરી કરી ગયા હોવાનો બનાવ બહાર આવતા ચકચાર પ્રસરી છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો અનુસાર આ તસ્કરીનો આ બનાવ સાંજના અરસાથી રાત્રીના અરસામાં બારોઈ રોડ ઉપર આવેલી લક્ષ્મી સોસાયટીના રહેણાંક મકાનમાં બન્યો હતો. કોઈ ચાર હરામખોરોએ બંધ મકાનના તાળા તોડી અંદર ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. કબાટમાં રહેલો સરસામાન વેરવીખેર કરી નાખ્યો હતો. કબાટમાં રોકડ રૂ.7.30 લાખ ભરેલી બેગ તસ્કરો તસ્કરી કરીને ફરાર થઈ ગયા હતા. ફરીયાદના ભાડુઆતને ઘરનો દરવાજો ખુલ્લો જણાતા તેમણે તેમના મકાન માલીકને જાણ કરતા તસ્કરીનો બનાવ રાત્રીના આરસમાં  પ્રકાશમાં આવ્યો હતો. બ્રાન્ચ મેનેજરની નોકરી અને વ્યવસાય કરતા ફરીયાદી વિકર્ણ સુભાષચન્દ્ર જૈન રજા હોવાથી સાંજના અરસામાં મિત્રના ઘરે ગયા હતાં. આ અરસામાં તસ્કરોએ તસ્કરીના બનાવને અંજામ આપ્યો હતો. કોઈ જાણભેદુ ઇસમોએ આ બનાવને અંજામ આપ્યો હોવાની આશંકા વ્યકત કરાઈ રહી છે. બનાવ અંગે પોલીસને જાણ થતા ઘટના સ્થળે જઈને તજવીજ આદરી હતી. નગરમાં તસ્કરીના આ બનાવને પગલે લોકોમાં ભારે ચિંતાની લાગણી પ્રસરી છે.