રાપર તાલુકાના ડાભુંડા ગામમાં મકાનમાંથી રૂ.82,710ના દારૂ સાથે ઈસમની ધરપકડ

રાપર તાલુકાના ડાભુંડા ગામમાં એક મકાનમાં પોલીસે દરોડો પાડી રૂ.82,710નો દારૂ કબ્જે કરી એક ઈસમને ઝડપી પાડયો હતો, પરંતુ દારૂ રાખી જનાર ઈસમ પોલીસ પકડથી દૂર રહ્યો હતો. ડાભુંડાના હનુભા ભમરાજી રાઠોડ નામનો ઈસમ પોતાના કબજાના મકાનમાં દારૂ રાખી તેનું વેચાણ કરતો હોવાની પૂર્વ અને સચોટ બાતમી મળતાં રાપરની પોલીસ ડાભુંડા દોડી ગઇ હતી. આ મકાનની કડી ખોલી અંદર જતાં આંગણામાં સૂતેલા ઈસમને ઝડપી તેનું નામ પૂછાતાં તે હનુભા ભમરાજી રાઠોડ હોવાનું ખુલ્યું હતું તેને સાથે રાખી પોલીસે ઘરની તલાશી લીધી હતી. જેમાં દરવાજાની બાજુમાં આવેલી ઓરડીમાંથી દારૂ નીકળી પડયો હતો. આ મકાનમાંથી મેકડોવેલ્સ નંબર-1ની 750 એમએલની 120 બોટલ, વિન્ટેજ બ્લુ, 750 એમએલની 36 બોટલ, 50-50 બ્લુ વ્હીસ્કીની 7 બોટલ, વ્હાઇટ લેચી વોડકા 180 એમએલના 40 ક્વાર્ટરિયા તથા રોયલ ક્લાસિક 180 એમએલના 336 પાઉચ એમ કુલ રૂ.82,710 નો અંગ્રેજી દારૂ કબ્જે કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઝડપાયેલા ઈસમની પૂછપરછ કરાતા ડાભુંડાનો સ્વરૂપસિંહ સવાઇસિંહ સોઢા નામનો ઈસમ ગાડી નંબર જી.જે. 03 ઇ.સી. 6285 માં આ દારૂ ભરી તેને આપી ગયો હોવાની કેફિયત તેણે પોલીસ સમક્ષ આપી હતી. બાલાસર પોલીસે રૂ.2,16,000 નો દારૂ ઝડપી પાડયો હતો. તેમાં પણ આ સ્વરૂપસિંહ સોઢા નામનો ઈસમ પોતાના હાથમાં આવ્યો ન હતો. બાદમાં પોલીસ તેના મકાને તપાસ કરવા જતાં આ ઈસમનો ભાઇ પોલીસ સ્ટેશને આવી સરકારી ફરજમાં રૂકાવટ કરતાં તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો હતો. હાથમાં ન આવેલા આ ઈસમને ઝડપી પાડવા આગળની કાયદેસરની તપાસ પોલીસે હાથ ધરી છે.