ભચાઉના ભવાનીપુર વિસ્તારમાં બંધ ઘરનાં તાળાં કોઇ રીતે ખોલી રૂ.1,70,100ની મતાની ચોરી

ગાંધીધામ, ભચાઉના ભવાનીપુર વિસ્તારમાં એક યુવાન પોતાની પત્નીને લેવા પોતાના વતન ગયો અને તસ્કરોએ તેમના ઘરમાં ખાતર પાડયું હતું. આ બંધ ઘરના તાળા કોઇ રીતે ખોલી તેમાંથી દાગીના, ટીવી વગેરે મળીને કુલ રૂ.1,70,100ની મતા તસ્કરો ચોરી કરી ગયા હતા. ભચાઉના ભવાનીપુર શેરી નંબર-4માં માનાબેન ગણેશ ગામીના ઘરમાં ભાડે રહેતા મૂળ ઉત્તર પ્રદેશના અશોક ભુપત ભારતીયા (પાશી) નામના યુવાને આ બનાવ અંગે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. સામખિયાળી પાસેની ઇ.ટી. કંપનીમાં ઓપરેટર તરીકે કામ કરનાર આ યુવાન પોતાની પત્નીને પરત લાવવા પોતાના વતન ઉત્તરપ્રદેશ ગયો હતો. તે પછી પોતાના સસરાના ઘરે હતો. ત્યારે તેના મિત્રએ ફોન કરી તારા ઘરના દરવાજા ખુલ્લા હોવાની જાણ કરી હતી. આ યુવાન આજે બપોરના અરસામાં પરત આવતા તસ્કરોએ તેના બંધ ઘરનું તાળું કોઇ રીતે ખોલી અંદર ગયા હોવાનું બહાર આવ્યું હતું. અને અભેરાઇ પર રાખેલ બેગમાંથી સોનાની નથડી, સોનાની ચેઇન, સોનાની કાનમાં પહેરવાની કડી, સોનાનું કાનમાં પહેરવાનું બુટીયું, કમરમાં પહેરવાનું ચાંદીનું કમર બંધ નંગ-બે, પગમાં પહેરવાની ચાંદીની પાયલ નંગ-8, પગની આંગળીમાં પહેરવાની વિછીંયા નંગ-12 તથા નવો લગાવેલો છત પંખો અને એલ.ઇ.ડી. ટીવી એમ કુલ રૂ.1,70,100ની મતાની તસ્કરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા. તસ્કરીના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. આ બનાવ અંગે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી.પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.