ભારત-આફ્રિકાના મેચ પર સટ્ટો રમાડતા ફરસાણનો વેપારી ઝડપાયો

શહેરના રૈયા રોડ પરથી ક્રિકેટ સટ્ટો રમાડતા ફરસાણના વેપારીને પોલીસે ઝડપી પાડ્યો છે. રૈયા રોડ, કનૈયા ચોક પાસે ઠક્કર સ્વીટ એન્ડ નમકીન નામની ફરસાણની દુકાન પાસે એક ઈસમ ક્રિકેટ સટ્ટો રમાડતો હોવાની બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જી.રાણા સહિતનો કાફલો ત્યાં દોડી ગયો હતો.જ્યાંથી પોલીસે ગાંધીગ્રામ એસ.કે.ચોક પાસે રહેતા મિતુલ મણી જોબનપુત્રાને ઝડપી પાડ્યો હતો. ફરસાણના ધંધા સાથે મિતુલ ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે થયેલા ટેસ્ટ મેચ પર મોબાઇલના માધ્યમથી ઓનલાઇન હારજીત, સેશન સહિતના સોદા લઇ સટ્ટો રમાડતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મોબાઇલ જપ્ત કરી મિતુલની અટક કરી છે.પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.