ખેડા જિલ્લાના માતરમાં ચાલતાં જુગારધામ પર સ્ટેટ મોનિટરીંગ સેલનો દરોડો પાડતાં નાસભાગ મચી, 11 વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા

ખેડા જિલ્લાના માતરમાં ધમધમતાં જુગારધામ પર ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડતાં નાસભાગ મચી હતી. અહીંયાથી જુગાર રમતાં કુલ 11 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સાથે રોકડ રૂપિયા અને મોબાઇલ ફોન મળી કુલ 52 હજાર 786 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટનામાં જુગારધામ ચલાવતો મુખ્યસૂત્રધાર શખ્સ ફરાર થઈ ગયો છે. જ્યારે આ બનાવથી માતર પોલીસની કામગીરી સામે શંકાની સોય ભોંકાઈ છે.સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમ વડોદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન ચોક્કસ બાતમી અને સૂચના અનુસાર આ ટીમે બપોરના અરસામાં ખેડા જિલ્લાના માતર ખાતે પહોંચી હતી. જ્યાં મચ્છી બજારમાં ગલ્લાં પાછળ ચાલતાં જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન જુગાર રમતાં બરકતહુશેન અબકરહુસેન મલેક, હુશેનશરફુમિયા શેખ, શૌકતઅહમદમિયાં શેખ, અમીર નજુમિયા મલેક, મુસ્તુફા નુરમહમદ વ્હોરા, જગદીશ કિશાભાઈ સોઢા પરમાર, પોપટ ડાહ્યાભાઈ પરમાર, કુલદીપ પ્રભતભાઈ મંડોલા, મહેરું હુસેન ભીખાભાઈ મલેક, નાસીર નજૂમિયા મલેક અને મહેશ કાંતિભાઈ પટેલ પકડાઈ ગયા હતા. જ્યારે જુગારધામ ચલાવતો મુખ્ય સૂત્રધાર ઈદરિષ પીરસાદમિયાં મલેક સ્થળ પર મળી આવ્યો ન હોતો. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 30 હજાર 220 તથા 7 મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 42 હજાર 786નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. માતર પોલીસ સ્ટેશનથી નજીકના અંતરે આવેલા જુગારના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી બે મહિનાથી ધમધમતાં અડ્ડા પર દરોડો પાડી સ્થાનિક પોલીસને શંકાના દાયરામાં લાવી દીધી છે. આ બનાવ સંદર્ભે સ્ટેટ મોનીટરીંગ સેલની ફરિયાદ આધારે માતર પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી દીધી છે.