બે ભાઈએ કતારગામના ખાતેદાર પાસેથી ઉધારમાં કાપડ ખરીદી તથા જોબવર્ક કરાવી રૂ.30 લાખની છેતરપિંડી કરી

બેગમપુરાના 2 ભાઈએ કતારગામના એમ્બ્રોયડરી ખાતેદાર પાસેથી ઉધારમાં કાપડ ખરીદી તથા જોબવર્ક કરાવીને તેના રૂપિયા ન ચૂકવી રૂ.30 લાખની ઠગાઇ કરી છે. સલાબતપુરા પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ કતારગામમાં હાથી રોડ પર આવેલ સ્વર્ગ રેસિડેન્સીમાં રહેતા જગદિશ કળથીયા કતારગામ નવી જીઆઈડીસીમાં એમ્બ્રોયડરી જોબવર્કનું ખાતું ધરાવે છે.જાન્યુઆરી 2021માં જગદિશની ઓળખાણ શખ્સોઓ ગુલઅહેમદ ઇકબાલ નુરાની અને આદિબ હાજી ઇકબાલ નુરાની સાથે થઈ હતી. તેઓ બેગમપુરામાં લતા હાઉસ પાસે આશીર્વાદ કોમ્પ્લેક્સમાં જીયા ફેશનના નામથી વેપાર કરતા હતા. તેઓએ જગદિશને કહ્યું કે, તેમની સાથે વેપાર કરશો તો 30 થી 35 દિવસમાં પેમેન્ટ કરી આપશે. ઉપરાંત બીજા વેપારીઓ પાસેથી પણ મોટા પ્રમાણમાં કામ અપાવશે. બાદમાં બંને શખ્સએ જગદિશ પાસેથી કાપડ ખરીદ્યું અને ઉધારમાં જોબવર્ક કરાવ્યું હતું. જગદિશને કુલ 30 લાખ રૂપિયા લેવાના થતા હતા. આરોપીઓ ગુલઅહેમદ અને આદિબ હાજીએ રૂપિયા ચૂકવ્યા ન હતા. તેમની પાસે રૂપિયા માંગ્યા ત્યારે બંને ભાઈઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જગદિશ કળથીયાએ શખ્સોઓ ગુલઅહેમદ અને આદિબ હાજી વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ લખાવી છે.