વિદ્યાનગરમાં કારની અડફેટે શાકભાજીના ફેરિયાનું મૃત્યુ

કરમસદ પંચવટી પાસે રહેતા વિજય લાખાભાઇ તળપદા (ઉ.વ.32) શાકભાજીની લારી ચલાવીને પરિવારનું ગુજરાન કરતો હતો. વિજય ખાસ કરીને જીઆઇડીસી વિસ્તારમાં ફેરી કરતો હતો. જીઆઇડીસી વિસ્તારમાં શાકભાજી વેચીને બપોરના અરસામાં કૈલાસ ચોકડી નજીકથી લારી લઇને પસાર થઇ રહ્યો હતો. ત્યારે પાછળથી પૂરઝડપે આવતી કારના ચાલકે પોતાની કાર પૂરઝડપે હંકારી શાકભાજીની લારી તથા વિજયને અડફેટમાં લેતા વિજય રોડ પર ઝડપાયો હતો. લારી ઉધી વળી ગઇ હતી. જેથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને 108 બોલાવીને કરમસદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જયારે કાર ચાલક કાર મુકીને ભાગી ગયો હતો. કરમસદ હોસ્પિટલમાં સાંજના અરસામાં વિજય તળપદાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું. જે અંગે પ્રતાપભાઇ લાખાભાઇ તળપદાએ વિદ્યાનગર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવતા પોલીસે કારચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.