મોરબીની સુપર માર્કેટમાં એક ડઝન દુકાનમાંથી ચોરી


મોરબીના શનાળા રોડ પર આવેલ સુપર માર્કેટમાં એક તસ્કર અલગ અલગ તાળા તોડીને નહિ પણ ડુપ્લિકેટ ચાવીથી તાળા ખોલીને અલગ અલગ દુકાનોમાં તસ્કરી કરી હતી. સાડી, પાર્લરનો સામાન, રોકડ સહિતની ચોરી કરતા વેપારી આલમ સ્તબ્ધ થઈ ગયું છે. જો કે આ તસ્કરના તમામ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. જો કે આ બનાવ અંગે હજુ કોઇ દુકાનના માલિક દ્વારા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી નથી. આ બનાવની મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટમાંવહેલી સવારના અરસામાં ટોપી અને મો ઉપર રૂમાલ બાંધીને ચાવીઓના જૂડા સાથે તસ્કર આવી પહોંચ્યો હતો અને સવારના અરસામાં ક્રમશ: એક પછી એક દુકાનના તાળા ખોલી આરામથી તસ્કરીને અંજામ આપ્યો હતો. મોરબી શહેરમાં આવેલા આ કોમર્શીયલ કોમ્પ્લેક્ષના એક સુપર માર્કેટમાં ઠેક ઠેકાણે સીસીટીવી કેમેરા લાગેલા હતા. જેમાં તસ્કરની તમામ હરકતો સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને તસ્કર કન્યા છાત્રાલય રોડ તરફથી સુપર માર્કેટમાં ઘૂસ્યો હોવાનું સ્પષ્ટ બન્યું હતું. જો કે ચાવીના જૂડા સાથે આવેલ આ ચોર તમામ દુકાનોથી વાકેફ હોવાનું લાગી રહ્યું છે તેમ છતાં આ ઘટનાની પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ ન હતી.