ભરૂચ જિલ્લા પોલીસે ત્રણ જુદા જુદા સ્થળ પરથી જુગાર રમતા 10 જુગારીયાઓને પકડી પાડ્યા

ભરૂચ જિલ્લા પોલીસે ત્રણ જુદા જુદા સ્થળ પરથી જુગાર રમતા 10 જુગારીયાઓને પકડી પાડ્યા હતા. જેમાં પ્રથમ બનાવમાં ભરૂચ શહેરના બરાનપુરા ખત્રીવાડ રેલ્વે બ્રિજની નીચે નર્મદા નદીના કાંઠે જુગારધામ ચાલી રહ્યું છે એવી બાતમીના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા મળી કુલ 5 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ બરાનપુરા વિસ્તારમાં રહેતા વિજય વસાવા, મહેશ વસાવા, મહેશ રાવળ, રણજીત વસાવા સહિત 6 જુગારીયાઓને પકડી લીધા હતા. અન્ય એક બનાવમાં ભરૂચ બી ડિવિઝન પોલીસે ભડિયારવાડ વિસ્તારમાં આવેલી કુંજરીગલીમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 1250નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ લાલવાડી કુંભારવાસ વિસ્તારમાં આવેલા પિરાકંઠી ખાતે રહેતા ગુલામ એહમદ ફકીર મહંમદ કુંભારને પકડી લીધો હતો. ઉપરાંત પાલેજ પોલીસે ટંકારીયા ગામના મોટા પાદર નજીક પાણીની ટાંકીની બાજુમાં ખુલ્લામાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા ગામના સલિમ મહમદ દેવરામ, રમેશ વસાવા અને નરેશ વસાવાને પકડી લીધા હતા. આમ જિલ્લા પોલીસે ત્રણ જુદા જુદા સ્થળ પરથી જુગાર રમતા 10 જુગારીયાઓને પકડી 7 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.