ટીંબી પાસે પુલ પરથી બાઇક નીચે પટકાતા આધેડનું મૃત્યુ

જાફરાબાદ તાલુકાના નવી જીકાદ્રીમા રહેતા એક આધેડ પોતાના દીકરા દીકરીના લગ્ન હોય પોતાનુ બાઇક લઇને કામ માટે ગાંગડા ગામે ગયા હતા. અને પરત ફરતી વખતે ટીંબી પાસે પુલ પરથી બાઇક નીચે ખાબકતા તેમનુ મૃત્યુ નિપજયું હતુ. પુલ પરથી બાઇક નીચે પટકાતા આધેડના મૃત્યુની આ ઘટના ટીંબી પાસે બની હતી. આ અંગેની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદ તાલુકાના નવી જીકાદ્રીમા રહેતા હકુભાઇ ખોડાભાઇ ખુમાણ (ઉ.વ.50) નામના આધેડના દીકરા દીકરીના લગ્ન હોય તે બાબતે કામ સબબ ગાંગડા ગામે પોતાનુ મોટર સાયકલ નંબર જીજે 04 બીએ 6443 લઇને ગયા હતા. તેઓ રાત્રીના અરસામાં પરત ફરી રહ્યાં હતા.ત્યારે ટીંબી પોલીસ ચેકપોસ્ટથી આગળ પુલ પરથી તેમનુ મોટર સાયકલ નીચે ખાબકયુ હતુ.અકસ્માત સર્જાતા તેમને ગંભીર ઇજાઓ થઈ હતી. તેમને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે જાફરાબાદ સરકારી દવાખાને ખસેડાયા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.