મહેસાણાના મોટીદાઉ ગામની દૂધ મંડળીના તાળા તોડી તસ્કરો રોકડ સહિત 70 હજારનો મુદ્દામાલ લઇને રફુચક્કર

મહેસાણા તાલુકાના મોટીદઉ ગામમાં આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીને તસ્કરો એ નિશાન બનાવી હતી. રાત્રીના અરસા દરમિયાન અજાણ્યા તસ્કરો ડેરીના તાળા તોડી પ્રવેશ કરી ઘીના પાઉચ અને રોકડ રકમ મળી કુલ 70 હજારથી વધુનો મુદ્દામાલની તસ્કરી કરી ગયાની ફરિયાદ લખાવાઈ છે. મળતી માહિતી મુજબ સાંજના અરસામાં ડેરીનું કામકાજ પતાવી ડેરીના ક્લાર્ક ડેરી બંધ કરી પોતાના ઘરે ગયા હતા. સવારના અરસામાં નિત્યક્રમ મુજબ ડેરી પહોંચતા ડેરીના દરવાજાના તાળા તૂટેલી હાલતમાં હતા. જેથી ડેરીના પ્રમુખ અને અન્ય લોકોને ક્લાર્કે જાણ કરી હતી. બાદમાં ડેરીમાં તપાસ કરતા ડેરીના અંદરના રૂમની તિજોરી તૂટેલી હાલતમાં હતી.તિજોરીમાં તપાસ કરતા ચાલુ હિસાબના 30 હજાર મુકેલા હતા. જે ત્યાં મળ્યા નહોતા. બાદમાં ગોડાઉનમાં તપાસ કરતા 500 ગ્રામના 100 ઘીના પાઉચ પણ ચોરાયા હતા. જેની કિંમત 23 હજાર 400 તેમજ 15 ઘીના ડબ્બા જેની કિંમત 16 હજાર 875 મળી કુલ 70 હજાર 275નો મુદ્દામાલ તસ્કરો તસ્કરી કરી ગયા હોવાનું સામે આવ્યું હતું.બાદમાં આસપાસના ગામમાં તસ્કરી કરેલી ચીજ વસ્તુઓની તપાસ કરતા ક્યાંય મળી ન આવતા ડેરીના ક્લાર્ક રબારી રાયમલભાઈએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી.