બાઈકની સીટમાં ગુપ્તખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા બે ઇસમો પકડાયા


આણંદ પાસેની સામરખા ચોકડી નજીક બાઈકમાં સીટ નીચે ગુપ્તખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને આણંદ શહેર પોલીસે બાતમીના આધારે પકડી પાડ્યા હતા. આ સિવાય, ઓડમાં બાઈક પર વિદેશી દારૂ લઈ જતા બે તેમજ મહાવીર ઝૂંપડપટ્ટીમાંથી વિદેશી દારૂનું વેચાણ કરતાં એક મળી કુલ ત્રણ ઇસમોને પોલીસે પકડી પાડ્યા હતા.દાહોદ બાજુથી બે ઇસમો બે મોટર સાયકલમાં ખાના બનાવીને વિદેશી દારૂના ક્વાટરીયા ભરીને આણંદ તરફ આવવાના હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન, વર્ણનવાળી બાઈક અને ઈસમ આવી પહોંચતા જ પોલીસે અટકાવી પુછપરછ કરતાં કર્તનસિંહ માધવસિંહ ગોહિલ અને ચિરાગ કલ્પેશ પરમાર હોવાનું જણાવ્યું હતું. પોલીસે બાઈકની તપાસ કરતા બાઈકોમાં સીટ નીચે બનાવેલા ગુપ્તખાનામાંથી વિદેશી દારૂના પ્લાસ્ટિકના 262 નંગ ક્વાટર મળી આવ્યા હતા.પોલીસે દારૂ, બાઈક, મોબાઈલ મળી કુલ 49 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એ જ રીતે ઓડ ગામ પાસે વાહન ચેકીંગ દરમિયાન પોલીસે વિજય વિનુ તળપદા અને વિજય કનુ તળપદાને એક દારૂના ક્વાર્ટર સાથે જ્યારે રાજન રમેશ વસાવાને ઘર પાસે દારૂ વેચતા નવ ક્વાર્ટર સાથે પકડી પાડ્યા હતા.