મહેસાણાના મોઢેરા ચોકડી પાસે દોઢ મહિનાથી ચાલતા જુગારધામ ઉપર એલસીબીએ રેડ કરી કેટલાક જુગારીઓને ઝડપી લીધા

મહેસાણાના ધમધમતા મોઢેરા ચાર રસ્તા પાસે રામઝુંપડી રેસ્ટોરન્ટની બાજુની એક દુકાનમાં મોટાપાયે ચાલી રહેલા જુગારધામ ઉપર એલસીબીએ દરોડો પાડી કેટલાક જુગારીઓને ઝડપી લીધા હતા. ગત રાત્રિના અરસા સુધી ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુ હોઇ જુગારી અને મુદ્દામાલ અંગે જાણી શકાયું ન હોતું. રામઝુંપડી રેસ્ટોરન્ટની બાજુની દુકાનમાં ઘણા સમયથી આધુનિક ઢબે વરલી મટકાનો જુગાર રમાડાઈ રહ્યો હતો. જેની બાતમી મળતાં એલસીબીએ સિવિલ ડ્રેસમાં સાંજના અરસામાં દરોડો પાડી કેટલાકને જુગાર રમતાં પકડી પાડ્યા હતા. જેમને એલસીબી કચેરી લઈ જવાયા હતા.જોકે, જુગારધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું હોઇ મોડી રાત્રિના અરસા સુધી જુગારના દરોડા બાબતે કોઈ ફરિયાદ નોંધાઈ નહીં હોવાનું ફરજ પરનાં મહિલા પીએસઓએ જણાવ્યું હતું. જોકે, સ્થાનિક લોકોની ચર્ચા મુજબ, દોઢેક માસથી મુખ્ય રોડની બિલકુલ પાસે જુગારધામ ચાલી રહ્યું હતું, જ્યાં રોજ અનેક લોકો જુગાર રમવા આવતા હતા. પોલીસની રેડને લઇ ભાગદોડ મચી ગઇ હતી.