સુખપરના જુગારધામ પર દરોડો: ત્રણ ૫કડાયા, બે નાસ્યા

ભુજ તાલુકાના સુખપર ગામે ચાલતા જુગારધામ પર સ્થાનિક પોલીસની ગુનાશોધકની ટીમે રાત્રિના અરસામાં દરોડો પાડતાં ત્રણ ખેલીને પકડી પાડયા હતા. જયારે બે નાસી ગયા હતા. એલસીબીને બાતમી મળી હતી કે, સુખપરની ગોપેશ્વર મહાદેવના મંદિરની બાજુમાંગાયત્રી સ્ટોરવાળી શેરીમાં સુથાર સમાજવાડી પાસે રહેતાં કાસમ જમાલ ખલીફા પોતાના ઘરમાં બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી ગંજીપાના વડે જુગાર રમાડી રહ્યા છે. આથી પોલીસે દરોડો પાડતા કાસમ ઉપરાંત હાજી અબ્દુલ ખલીફા તથા સલીમ ઓસમાણ લંગા (રહે. બંને સુખપર)ને પકડી પાડ્યા હતા. જયારે ઈમરાન આમદ રાયમા તથા કરણસિંહ ચુડાસમા (રહે બંન્ને સુખપર) નાસી ગયા હતા. ગંજીપાના વડે જુગાર રમાતા આ દરોડા દરમ્યાન પોલીસે રોકડા રૂ.11,250 તથા ત્રણ મોબાઈલ કિંમત રૂ.6,500 એમ કુલ 17,750 ને મુદામાલ જપ્ત કરીને માનકુવા પોલીસ સ્ટેશને ઝડપાયેલા તથા નાસી છૂટેલા આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા તળે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.