ભુજમાં ત્રણ મકાન તસ્કરોનો નિશાન બનતા રોકડ, દાગીનાની તસ્કરી


ભુજ શિયાળાની મોસમ જામવાની સાથો-સાથ તસ્કરોનો ઉપાડો પણ વધ્યો છે. શહેરના રેલવે મથક નજીકના બાપા દયાળુનગર-બેના ત્રણ મકાન તસ્કરોનો નિશાન બનતા રોકડ, દાગિના સહિત કુલ્લ રૂા.59,500ના મુદામાલની તસ્કરી થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો શહેરના પાળેશ્વર ચોક સ્થિત સોનીની દુકાનના તાળા તોડી એક ચોર ઘૂસ્યો હતો. પરંતુ રાડા રાડના પગલે ચોર નાસી ગયો હતો. બાપાદયાળુ નગર-બેમાં થયેલી તસ્કરી અંગે બી-ડિવિઝન પોલીસ સ્ટેશને અસલમભાઇ ઓસમાણભાઇ ખત્રીએ લખાવેલી ફરિયાદ અનુસાર સાંજના અરસાથી સવારના અરસા દરમ્યાન તેમના બંધ ઘરના તાળા તોડી કબાટ તોડી તેમાંથી રોકડા રૂ.13,000 તેમજ રૂ.7,500 ના સોના-ચાંદીના દાગીનાની તસ્કરી થઇ હતી. આ ઉપરાંત તેમના સાહેદ એવા સલીમ ખત્રીના ઘરમાંથી પણ રોકડા રૂ.10 હજાર ઉપરાંત રૂ.19 હજારના દાગીનાની તસ્કરી થઇ હતી. તેમજ રજેફાબાઇ ખત્રીના મકાનમાંથી તો લુખ્ખા એવા ચોરોએ તો પાણીની મોટર તેમજ સિમેન્ટની થેલી પણ ઉપાડી લીધી હતી. જેની કિંમત રૂ.10,000 થવા જાય છે. આમ કુલ રૂ.59,500નો મુદામાલ અજાણ્યા તસ્કરો ચોરી ગયાની ફરિયાદ લખાવી છે. બીજી તરફ દરબારગઢના પારેશ્વર ચોક સ્થિત કેતન જ્વેલર્સ દુકાનના રાત્રિના અરસામાં કોઇ હરામખોર તસ્કર તાળા તોડી અંદર પ્રવેશ્યો હતો. દુકાનને અડીને જ દુકાન માલિક કેતન નરેન્દ્રભાઇ સોનીનું ઘર છે. ફરિયાદી એવા કેતનભાઇ અવાજના લીધે જાગી જતા તે દુકાને જતા એક ચોર વસ્તુઓ ફંફોસતો દેખાયા હતો અને કેતનભાઇએ રાડારાડી કરતા તસ્કર નાસી છૂટયો હતો. આ તસ્કર દુકાનના શોકેસમાં આવેલો ઢોળ ચડાવેલ કંકાવટી કિંમત રૂ.100 વાળી તસ્કરી કરી ગયાની ફરિયાદ લખાવી છે. આમ શહેરમાં હરામખોર તસ્કરોનો ઉધામો વધ્યો હોવાથી રાત્રિના ભાગે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવાની જાગૃતોએ માંગ કરી રહ્યા છે.