શહેરના જાગનાથ વિસ્તારમાં ફ્લેટમાંથી ચોરી કરનાર તસ્કર ઝબ્બે, 5 લાખનો મુદ્દામાલ કબ્જે


શહેરના જાગનાથ પ્લોટ વિસ્તારના રાજદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા સરકારી મેડિકલ કોલેજના ડોક્ટર સેજુલ અંટાળાના બંધ ફ્લેટમાં ખાબકી તસ્કરો રૂ.12.56 લાખનો મુદ્દામાલની તસ્કરી કરી ગયા હતા. પોલીસે તસ્કરીનો ભેદ ઉકેલી નાખ્યો. તસ્કરને પકડી પાડી રૂ.5 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તસ્કરીના સાગરીતની શોધખોળ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ફ્લેટમાં ખાબકેલા બે તસ્કર કેમેરામાં કેદ થઇ ગયા હતા. અને બંને ઈસમ તસ્કરી કર્યા બાદ એક્ટિવામાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારની સીતારામ સોસાયટી સુધી દેખાયા હતા. તસ્કર બેલડી સીતારામ સોસાયટીમાં રહેતી હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે બાતમીદારને કામે લગાડ્યા હતા. તસ્કરીમાં સીતારામ સોસાયટીમાં રહેતા મૂળ જૂનાગઢના વતની નામચીન તસ્કર ડાડા ઉર્ફે ઇકબાલ મામદ ઉર્ફે મહમદ ઠેબા અને રાજકોટના હિરેન ઉર્ફે નીતિનનું નામ ખૂલતાં જ પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.એલ.ચાવડા સહિતની ટીમ દોડી ગઇ હતી.પોલીસ પહોંચી. ત્યારે ડાડા ઉર્ફે ઇકબાલ મળી આવ્યો હતો. પોલીસે તેની ઓરડીની તલાશી લેતા તેમાંથી રૂ.1.50 લાખ રોકડા, 1680 પાઉન્ડ, રૂ.1.10 લાખની કિંમતનો સોનાનો ઢાળિયો, એક્ટીવા, ચાંદીના દાગીના સહિત કુલ રૂ.5 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.