ગાંધીધામના રેલવે કોલોની વિસ્તારમાં બંધ ઘરમાં નિશાચરો અંદર ઘૂસ્યા, બંધ મકાનમાંથી 3.50 લાખની તસ્કરી કરી

ગાંધીધામ શહેરના રેલવે કોલોની વિસ્તારમાં એક બંધ ઘરના પતરાં તોડી નિશાચરો અંદર ઘૂસ્યા હતા. રેલવે કર્મીના આ બંધ મકાનમાંથી દાગીના અને રોકડ રકમ એમ કુલ રૂ.3,50,000ની મતાની તસ્કરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. શહેરની રેલવે કોલોનીના મકાનમાં રહેતા તથા રેલવેમાં સિનિયર ગુડઝ ગાર્ડ તરીકે ફરજ બજાવતા અમીત સુદર્શન કુશવાહાના બંધઘરમાં તસ્કરોએ’ ખાતર પાડયું હતું. આ ફરિયાદી યુવાન તેમના બે દિકરા અને પત્ની સાંજના અરસામાં સુંદરપુરી ગયા હતા. પોતાના સંબંધી બીમાર હોવાથી તેમના ખબર-અંતર પૂછવા ગયેલો આ પરિવાર રાત્રિના અરસામાં ત્યાં જ જમી અને બાદમાં પોતાના ઘરે પરત આવ્યા હતા. રાત્રિના અરસામાં તેમણે પોતાના મકાનના તાળા ખોલી પાછળ બાજુ જતાં પાછળની લાઇટ ચાલુ જણાઇ હતી. તેમજ પૂજારીના રૂમ ઉપરનું પતરું તૂટેલું જણાયું હતું.પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે પૂજાના રૂમનું આ પતરું તોડી તસ્કરો અંદર ખાબક્યા હતા અને બાદમાં અહીંથી બેડરૂમમાં ગયા હતા. બેડરૂમમાં રહેલો કબાટ ખોલી તેની તિજોરી આખી બહાર ખેંચી લીધી હતી અને તેમાંથી સાડાત્રણ તોલાની સોનાની બુટી સહિતનું નેકલેસ, સોનાની ચાર વિંટી, સોનાની ત્રણ ચેઇન, તથા રોકડા રૂ.40,000 એમ કુલ રૂ.3,50,000ની મતાની તસ્કરી કરી આ ઇસમો નાસી ગયા હતા.આ શહેર અને સંકુલમાં વધતા તસ્કરીના બનાવોથી ભારે ચકચાર પ્રસરી છે. ચોરીના બનાવમાં પોલીસે ચાર ઇસમોને’ ઝડપી પાડયા હતા. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.