વીંછિયાના તાલુકાના રેવાણીયા-દડલી ગામ પાસે દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

વિંછીયા તાલુકાના રેવાણીયા-દડલી ગામ પાસે સીમમાંથી પોલીસે 156 બોટલ વિદેશી દારૂ સાથે બે ઇસમોને પકડી પાડ્યા હતા. અને બંનેની સામે ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરી હતી. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વિંછીયા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રેવાણીયા ગામ પાસે સીમમાં અશ્વિન ઉર્ફે સંજયભાઇ ધોરીયાની વાડીએ દરોડો પાડતા ઈકો ગાડીમાંથી દારૂની પેટીઓ ઉતારતા બે ઇસમો અશ્વીન ઉર્ફે સંજય દેવશીભાઈ ધોરીયા અને વાઘા હમીરભાઈ ગળચર(રહે બન્ને-રેવાણીયા,તા-વિંછીયા) મળી આવ્યા હતા. આ દરોડા દરમિયાન 156 બોટલ વિદેશી દારૂ જેની કિંમત રૂ.46,800 તથા ઈકો ગાડી કિંમત રૂ.2,00,000 તેમજ એક મોટર સાયકલ જેની કિંમત રૂ.20,000 મળી કુલ રૂ.2,66,800 નો મુદ્દામાલ મળી આવતા વિંછીયા પોલીસે બન્ને ઇસમોની અટક કરી ધોરણસરની તજવીજ હાથ ધરી હતી.