મહેસાણા શહેરમાં એક્ટિવા પર ચોરી કરેલી મોટરને વેચવા નીકળેલા ત્રણ તસ્કરોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા

મહેસાણા શહેરમાં એક્ટિવા પર તસ્કરી કરેલી મોટરને વેચવા નીકળેલા ત્રણ તસ્કરોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા શખ્સો પાસેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક્ટિવા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે હેડુઆ પાસે ત્રણ શખ્સો તસ્કરીની મોટર વેચવા ઉભા છે, જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે હેડુઆ પીકઅપ સ્ટેડ પાસેથી GJ 18 CA 0270 નંબરની એક્ટિવા પર તસ્કરી કરેલી મોટર વેચવા માટે નીકળેલા ઠાકોર રોહિત, રાઠોડ ચંદનજી, ઠાકોર કરણજીને ઝડપી પાડ્યા હતા. પોલીસે તપાસ દરમિયાન તસ્કરીની 80 કિલોની રૂ.30 હજારની મોટર, એક એક્ટિવા અને 52 હજાર રોકડા જપ્ત કર્યા હતા. તેમજ પૂછપરછ દરમિયાન તસ્કરોએ અગાઉ પણ પોતાના સાગરીત સાથે મળીને મહેસાણા શહેર બી ડિવિઝન અને મહેસાણા તાલુકા વિસ્તારમાં ઘરફોડ તસ્કરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. આ ચોર ટોળકીના એક સાગરીત ઝાલા નિખિલને પકડવા પોલીસે તજવીજ શરૂ કરી છે.