ભચાઉ પાસેથી 1.06 લાખના ચોરાઉ મોબાઇલ સાથે 1 ઈસમ પકડાયો

ભચાઉ સામખિયાળી વચ્ચે કસ્ટમ ચાર રસ્તા પાસે બાતમીના આધારે વોચમાં ઉભેલી પૂર્વ કચ્છ એલસીબીની ટીમે ગાડીમાં ચાર્જમાં પડેલા મોબાઇલ તસ્કરી કરતા ઈસમને રૂ.1.06 લાખની કિંમતના 15 ચોરાઉ મોબાઇલ ફોન સાથે ઝડપી તેના પાસેથી કુલ રૂ.2.18 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ માટે ભચાઉ પોલીસને સોંપ્યો હતો.એલસીબી ઇન્ચાર્જ પીઆઇ કે.એન.સોલંકીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભચાઉના શીકરા ગામે થયેલી મોબાઇલ તસ્કરી તેમજ બીજા ચોરાઉ મોબાઇલ વેંચવા એક શખ્સ ભચાઉ તરફ આવી રહ્યો હોવાની બાતમીના આધારે કસ્ટમ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન સામખિયાળી ચાર રસ્તા ચામુંડા હોટલ પાછળ રહેતા આદમખાન બાદરખાન પઠાણને રોકી તેની પાસે રહેલી કપડાની થેલીમાં તપાસ કરતાં ઘણા મોબાઇલ મળી આવતાં આ બાબતે પુછપરછમાં આ તમામ મોબાઇલ તેણે તસ્કરી કરીને મેળવેલા હોવાની કબૂલાત આપતાં રૂ.1,06,000 ની કિંમતના 15 ચોરાઉ મોબાઇલ સાથે તેને ઝડપી પાડી રૂ.75,400 રોકડ, રૂ.35,000 ગુનામાં વાપરેલું બાઇક તથા રૂ.2,000 ની કિંમતનું સ્માર્ટ વોચ મળી કુલ રૂ.2,18,400 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ માટે ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.મકાન, દુકાન અને ગાડીમાં ચાર્જમાં રહેલા ફોન તસ્કરી કરતો હતો. ભચાઉ પાસે 15 ચોરાઉ મોબાઇલ સાથે ઝડપાયેલો ઈસમ આદમખાન બાદરખાન પઠાણ રાત્રીના અરસામાં બાઇક લઇને નિકળી ગામના રોડની પાસે આવેલા મકાન, દુકાન, કેબીન કે હોટલ ઉપર ઉભેલી ટ્રકોમાં ચાર્જિંગમાં રાખેલા મોબાઇલ ફોનની તસ્કરી કરતો હોવાનું પ્રાથમિક પુછપરછમાં બહાર આવ્યું હતું. આગળની વધુ તપાસ હાથ ધરી છે.