નાલીયા માંડવી પાસે કારમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સ પકડાયો

ઊનાના નાલીયા માંડવી ગામ પાસે દિવથી આવતી કારને રોકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલનાં જથ્થા સાથે એક ઈસમને પકડી પાડ્યો હતો. પોલીસે બે ઇસમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી કાર્યવાહી શરૂ કરી છે. પ્રાપ્ત વિગત અનુસાર જેન્તી રામભાઇ ડાભી રહે. ઝાંખરવાળા તે દિવથી કાર નં. જીજે 15 એડી 0072માં દારૂ લઇ દેલવાડા તરફ આવતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે નાલીયા માંડવી ગામ પાસે વોચ ગોઠવી કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બોટલો નં. 468, મોબાઇલ, કાર સહીત કુલ કિંમત રૂ.1.39 લાખથી વધુનાં મુદામાલ સાથે એક ઈસમને પકડી પાડ્યો છે. આ અંગે પોલીસે પુછપરછ કરતા પ્રતિક જીણા ડોડીયા રહે.ઝાખરવાડાએ દારૂનો જથ્થો આપ્યો હોવાનું ખુલતા આ ઈસમને ઝડપી પાડવા પોલીસે ચક્રગતિમાન કર્યાં છે. પોલીસે બન્ને ઇસમો વિરૂ્દ્ધ ફરિયાદ દાખલ કરીને ધોરણસરની તપાસ હાથ ધરી છે.