ગાંધીધામની લોજિસ્ટિક કંપની સાથે 3.56 લાખની છેતરપિંડી

ગાંધીધામની લોજિસ્ટિક કંપની પાસેથી રૂ.3.56 લાખના ખીલા મગાવી રૂ.3.29 લાખનો ખોટી સહી સાથેનો ચેક મોકલાવ્યા બાદ ફોન પણ બંધ કરી સુરતના શખ્સે ચૂનો ચોપડ્યો હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધવાઈ છે. સપનાનગરમાં રહેતા મુસ્તાકભાઇ એહમદભાઇ તુર્ક અને સંજયભાઇ નારાણભાઇ ધનવાણી સાથે ભાગીદારીમાં એસઆરએનકે લોજિસ્ટિક કંપની ચલાવે છે. તા.4/10/21 ના રોજ તેમને સુરતથી આસનારાણદાસ નામના શખ્સનો ફોન આવ્યો હતો અને તેણે આપેલા ઓર્ડર મુજબ રૂ3,56,124 ની કિંમતનો 12 અને 13 ગેજના ખીલાનો સાડા ચાર ટન માલ મોકલાવેલો હતો તેના પેટે સુરતના શખ્સે તેમને રૂ.3,29,220 નો ચેક સહી કરેલો મોકલાવ્યો હતો. જે ચેક વટાવવા નાખ્યો ત્યારે બેંકના કર્મચારીએ આ ચેકમાં સહી ખોટી હોવાનું જણાવતાં તેમણે આસનારાણદાસને આ હકીકત કહેતાં તેમણે રકમ સાંજના અરસા સુધી જમા કરાવવાનું કહ્યા બાદ આજ દિવસ સુધી તેણે પૈસા પણ ન આપ્યા અને ફોન પણ બંધ કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરીયાદ તેમણે લખાવી છે.પીએસઆઇ એન.આઇ.બારોટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.