વડોદરામાં મોબાઇલની દુકાનમાં દારૂની મહેફિલ માણતા પકડાયા

વડોદરાના હરણી મોટનાથ રોડ ઉપર આવેલી શિવ મોબાઇલ નામની દુકાનમાં દારૂની મહેફિલ માણી રહેલા ચાર ઇસમોને પોલીસે પકડી પાડી કાયદેસરની તજવીજ હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન પોલીસને શખ્સોઓ પાસેથી મોબાઇલ ફોન અથવા વાહનો મળી આવ્યા ન હતા.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હરણી પોલીસ સ્ટેશનના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે સમયે ચોક્કસ માહિતી મળી હતી કે, હરડી મોટનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલા કોમ્પ્લેક્સની શિવ મોબાઇલ દુકાનમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. જેના આધારે પોલીસે શિવ મોબાઇલ નામની દુકાનમાં રાત્રિના અરસામાં દરોડો પાડી દારૂની મહેફિલ માણી રહેલા ચાર ઇસમોને પકડી પાડયા હતા. જેમાં ચિરાગ સૂર્યકાંત પટેલ, આકાશ રમેશભાઈ રાવલ, વિષ્ણુ કુમાર અરજણભાઈ શ્રીનાથ અને મુકેશ કચરાભાઈ પટેલનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ ઉપરથી દારૂની બોટલ, પ્લાસ્ટિકના ગ્લાસ તથા સિંગ, ચણા જપ્ત કરી કાયદેસરની તજવીજ હાથ ધરી હતી.