કારમાં દારૂની હેરાફેરી કરતા 2 ઇસમો ઝડપાયા


કારમાં દારૂની હેરાફેરી કરનારા 2 ઇસમોની મકરપુરા પોલીસે અટક કરી કારમાંથી 48 હજારના દારૂના 480 ટેટ્રાપેક જપ્ત કરીને બંને ઇસમોઓની અટક કરી હતી. મકરપુરા પોલીસને બાતમી મળી હતી કે, પ્રવિણ પાટણવાડિયાએ બોક્સની આડમાં દારૂની પેટીઓ મગાવી છે. જેની ડિલિવરી કરવા પ્રવિણ કારમાં તરસાલી હાઈવેથી આજવા હનુમાનપુરા તરફ જવાનો છે. જેથી પોલીસે તરસાલી બાયપાસ પાસે કાર અટકાવી પ્રવિણ ભોગીલાલ પાટણવાડિયા (પટેલ ફળિયું, બાકરોલ) અને વિજય રાજુભાઈ પાટણવાડિયા (સાયર, કરજણ)ને પકડી પાડ્યા હતા. કારની પાછળની સીટ પર પ્લાસ્ટિકના બાચકામાંથી બોક્સ મળ્યાં હતાં. જેમાંથી રૂા.48 હજારના દારૂના 480 ટેટ્રાપેક મળ્યાં હતાં. ઇસમોઓની પૂછપરછમાં દારૂ ઉદયપુરના મધુસિંગે આપ્યો હોવાનું જણાવતાં તેને વોન્ટેડ જાહેર કરી કાર સહિત 3 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંનેની અટક કરી હતી.