યુવાનના હાથમાંથી મોબાઇલ આંચકી બાઇક પર શખ્સ રફુચક્કર
 
                copy image

ભરૂચની શ્રવણ ચોકડીથી મઢુલી સર્કલ તરફ ચાલતો જતાં યુવાનના હાથમાંથી બાઇક સવાર શખ્સએ મોબાઇલ છૂંટવી બાઇક પર રફુચક્કર થઇ ગયો હતો. યુવાને બુમરાણ મચાવી હોવા છતાં તે ઝડપાય તે પહેલાં ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલાં યશ કમલ કોમ્પલેક્ષ ખાતે રહેતો અને દહેજની દિપક ફિનોલેક્ષ કંપનીમાં કામ કરતો રમેશ ચીનભાઇ વણકર શ્રવણ ચોકડીથી જમવા માટે મઢુલી સર્કલ તરફ ચાલતો જઇ રહ્યો હતો. દરમિયાનમાં એસ. પી. પેટ્રોલપંપ સામેથી પસાર થતાં સમયે એક બાઇક ચાલકે પાછળથી પુરઝડપે આવી તેના હાથમાંથી મોબાઇલ આંચકી બાઇક પર ફરાર થઇ ગયો હતો. યુવાને તેને ઝડપવા તેની પાછળ દોડવા સાથે બુમરાણ મચાવતાં અન્ય કોઇ તેની મદદે આવે તે પહેલાં જ ત્યાંથી નાસી ગયો હતો. ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
 
                                         
                                        