ભચાઉમાં ઓનલાઈન ચૂકવણાનું નાટક કરી વેપારી સાથે 94,000ની છેતરપિંડી

ભચાઉના ઈલેકટ્રોનીકસના વેપારી સાથે ગઠીયાઓએ ઠગાઇ કરી હોવાનો બનાવ બહાર આવ્યો છે. અરજીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો અનુસાર ભચાઉમાં મહારાણા પ્રતાપ ગેટ ચીરઈ નાકા નજીક આવેલી પુજારા ટેલીકોમમાં ગ્રાહકના સ્વાંગમાં ગઠીયા આવ્યા હતાં. મયુર હસમુખલાલ ચંદે પાસેથી આ ગઠીયાઓએ બે ટી.વી, એક મોબાઈલ અને એક આઈફોનની ખરીદી કરી હતી. કુલ 94,000ની રકમ ગઠીયાઓએ ગુગલ-પે મારફત ચુકવી હતી. અને રાઈટનું નિશાન બતાવી’ માલ લઈ ચાલ્યા ગયા હતાં.બેન્ક તરફથી રકમ જમા થઈ હોવાનો કોઈ મેસેજ ન આવતા બેન્કમાં તપાસ કરી હતી. બેલેન્સમાં 94 હજારની કોઈ એન્ટ્રી ન દેખાતા ગઠીયાઓના કરતુતનો પર્દાફાસ થયો હતો. ભચાઉ લોહાણા મહાજનના પુર્વ પ્રમુખ ભરત છગનલાલ ઠક્કરે સાથે રહીને બનાવ અંગે રજુઆત કરી હતી. પોલીસે અરજી સ્વિકારી સાયબર પોલીસને આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવી હોવાના અહેવાલો સાંપડયા હતાં. કેશલેશ ચુકવણામાં તકેદારી રાખવા અગ્રણીઓએ સૌ વેપારીઓએ અનુરોધ કર્યો છે.