આડેસર ચેકપોસ્ટ પાસે 32.17 લાખના દારૂ સાથે ટ્રક ચાલક ઝડપાયો


રાપર તાલુકાની આડેસર ચેકપોસ્ટ પર બાતમીના આધારે વોચમાં ઉભેલી સ્થાનિક પોલીસે આઇસર ટેમ્પો ચાલકને રૂ.32.17 લાખના વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે પકડી કુલ રૂ.42.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આ જથ્થો મોકલાવનાર અને મગાવનાર વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. આડેસર પીએસઆઇ બી.જી.રાવલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ટીમ આડેસર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, વિદેશી દારૂનો જથ્થો ભરી જીજે-31-ટી-0725 નંબરનો આઇસર ટેમ્પો કચ્છ તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે બાતમી મુજબનો ટેમ્પો આવતાં તેને રોકી તલાશી લેતાં ટેમ્પોમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની રૂ.32,17,800 ની કિંમતની 9,480 બોટલો અને બિયરના ટીન મળી આવતાં આ ટેમ્પોના ચાલક મુળ ઉત્તરપ્રદેશના ઇટાહ તાલુકાના સુરજિતકુમાર સુનેરીલાલ યાદવની ધરપકડ કરી ટ્રક બે મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂ.42,30,200 નો મુદ્દામાલ કબ્જે કરી આ દારૂનો જથ્થો મોકલનાર અને મગાવનાર સહિત ત્રણ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.