લાલપુરમાં ટ્રકની ઠોકરે બાઇકચાલકનું મૃત્યુ


લાલપુર તાલુકા મથકે ડુંગળીના કારખાના નજીક ગોલાઇ પર પૂરઝડપે દોડતા એક ટ્રકે જોરદાર ઠોકર મારતા મોટરસાઇકલ ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. પોલીસે ટ્રકચાલક સામે ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે ડુંગળીના કારખાના પાસે બપોરના અરસામાં પૂરઝડપે દોડતા જીજે 04 એક્સ 7250 નંબરના ટ્રકે જીજે 10 એએસ 9305 નંબરના મોટરસાઇકલને જોરદાર ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો હતો. આ અકસ્માતમાં મોટીરાફુદડ ગામના હેમંતલાલ મઘોડિયા નામના મોટરસાઇકલ ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃત્તકના પુત્ર સાગરભાઇ મઘોડિયાએ જાણ કરતાં લાલપુર પોલીસે મૃત્તકનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે નાશી ગયેલા આઇસર ટ્રકચાલક સામે ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.