આદિપુરમાં બંધ ઘરનાં તાળાં ખોલી 28 હજારની મતાની તસ્કરી


ગાંધીધામ, આદિપુરના નવા બસ સ્ટેન્ડ પાછળ ટી.ડી.એક્સ. વિસ્તારના એક બંધ ઘરના તાળા ખોલી નિશાચરો તેમાંથી રોકડ રકમ તથા મોબાઇલ એમ કુલ રૂ.28,000 ની મતાની તસ્કરી કરી ગયા હતા. આદિપુરના નવા બસ સ્ટેન્ડ પાછળ ટી.ડી.એક્સ મકાન નંબર 364માં રહેનાર શ્રૃતિબેન રમેશ પરમાર નામની યુવતીએ તસ્કરીના આ બનાવ અંગે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. ગાંધીધામ જી.આઇ.ડી.સી.માં ઇન્સ્પેકટોરેટ ગ્રીફીટ ઇન્ડિયા પ્રા.લિ.માં કામ કરનાર આ ફરિયાદીના માતાની તબીયત બરોબર ન હોવાથી તેઓ દવા લેવા વડોદરા ગયા હતા. જ્યારે ફરિયાદી યુવતી ઘરે એકલી હતી. તે નીચેના રૂમને તાળા મારી ઉપરના રૂમમાં સુતા હતા. ત્યારે રાત્રિના અરસામાં નિશાચરો આવ્યા હતા. અને લોખંડની જાળી વાટે અંદર ઘુસી યુવતીના ઓશિકા પાસેથી ચાવી તથા તેનો રૂ.10,000 નો મોબાઇલ ઉપાડી લીધો હતો. અને બાદમાં નીચે જઇ રૂમના તાળા ખોલી કબાટના તાળા તોડી નાખ્યા હતા અને અંદરથી રોકડ રકમ 18,000 તથા એચ.ડી. એફ.સી. બેન્કનું ક્રેડિટ કાર્ડ એમ કુલ રૂ.28,000 ની મતાની તસ્કરી કરી નિશાચરો નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. જેના આધાર આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.