કરિયાણામાં ઉછીના નાણાંની ઉઘરાણી મુદ્દે આધેડ પર ધારીયા અને પાઇપ વડે હુમલો

બાબરા તાલુકાના કરિયાણામા રહેતા એક આધેડના પુત્રએ ઉછીના આપેલા નાણાની ઉઘરાણી કરતા છ ઇસમોએ તેમની સાથે બોલાચાલી કરી ધારીયા અને પાઇપ જેવા હથિયારથી મારમારી ઇજા પહોચાડતા તેણે આ બાબતે બાબરા પોલીસ સ્ટેશમાં ફરિયાદ લખાવી છે. આધેડને મારમાર્યાની આ ઘટના બાબરાના કરીયાણામા બની હતી. અહી રહેતા મેપાભાઇ અરજણભાઇ વીજુંડા (ઉ.વ.50) નામના આધેડે બાબરા પોલીસ સ્ટેશનમાં લખાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે તેના દીકરા હરેશે રોહિત રાણાભાઇ રાઠોડ નામના ઈસમને ઉછીના પૈસા આપ્યા હોય જેથી ઉઘરાણી કરતા રોહિત, રાણાભાઇ, મનસુખભાઇ, મહેશ, ઘુસાભાઇ, પ્રેમજીભાઇ નામના ઇસમોએ બોલાચાલી કરી હતી. તેમજ વિનોદભાઇને મારમાર્યો હતો. આ શખ્સોએ મેપાભાઇને પાઇપ વડે ઇજા પહોચાડી હતી.જયારે ઘુસાભાઇ જેઠાભાઇ રાઠોડે વળતી લખાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે મેપાભાઇના દીકરા હરેશની સગાઇ ન થતા તેની શંકા રાખી બેાલાચાલી કરી મેપાભાઇ તેમજ વિનુ, નરેશ, હરેશ, અદુળ અને ભુરો વિગેરે નામના શખ્સોએ પાઇપ વડે મારમારી ઇજા પહોચાડી હતી. બનાવ અંગે પોલીસે બંને પક્ષેથી ફરિયાદ દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ડી.બી.ડાંગર ચલાવી રહ્યાં છે.