વડોદરા નજીક સેવાસી કેનાલ પાસેના તારક બંગલામાં ફેક્ટરી માલિકની પત્નીને બાંધી રોકડ, દાગીનાની લૂંટ


વડોદરા નજીક સેવાસી કેનાલ પાસેના તારક બંગલામાં ત્રાટકેલી લૂંટારૃ ટોળકી બંગલાના માલિકની પત્નીને બંધક બનાવી રોકડ, સોનાના દાગીના સહિતની મત્તા લૂંટતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઇ છે. પ્રાથમિક દ્રષ્ટિએ બંગલામાં કામ કરનાર નેપાળી દંપતીએ આ લૂંટને અંજામ આપ્યો હોવાનું મનાય છે.આ અંગેની વિગત એવી છે કે તારક બંગલોઝમાં રહેતા પ્રકાશભાઇ પટેલની નંદેસરીમાં ફેક્ટરી છે. તેઓ બે દિવસ પહેલા સાસરીમાં ગયા હતા. જેથી ઘેર તેમના પત્ની અંજનાબેન(ઉ.વ.૫૦) એકલા હતાં. ગત રાત્રિના અરસામાં અંજનાબેન ઊંઘતા હતા. ત્યારે બંગલામાં કામ કરતા જગબહાદુર શાહી તેમજ તેની પત્ની લક્ષ્મીએ રાત્રિના અરસામાં બે સિક્યુરિટિ કર્મચારીને ઘેનવાળી ચા પીવડાવી તેને બેભાન કરી દીધો હતો.બાદમાં જંગબહાદુર તેના બે શખ્સોને બહારથી બંગલામાં બોલાવી લાવ્યો હતો અને ઘરમાં ઊંઘતા અંજનાબેનને બાંધી દઇ ઘરમાંથી સોનાના દાગીના તેમજ આશરે ચાર લાખ જેટલી રોકડ અને બંગલામાં પડેલ એક્ટિવા તેમજ એક બાઇક લઇને નેપાળી દંપતી તેમજ તેના બે શખ્સો પલાયન થઇ ગયા હતાં. આ અંગેની જાણ જિલ્લા પોલીસને કરાતા પોલીસના માણસો લૂંટ કરીને પલાયન થઇ ગયેલા દંપતી સહિત ચારેય ઇસમોને પકડી પાડવા માટે દોડાદોડી કરી રહ્યા છે.પોલીસ સૂત્રો દ્રારા માહિતી મળી હતી. પોલીસ વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.