ધોરાજીમાં વકીલમંડળની ઓફિસના તાળાં તોડી રોકડ અને ચશ્માની તસ્કરી

ધોરાજી શહેરમાં હાર્દ સમા વિસ્તારમાં આવેલી વકીલ મંડળની ઓફિસના તાળાં અજાણ્યાં તસ્કરોએ તોડીને રૂ.73 હજારની તસ્કરી કરી હતી. રાત્રિના અરસામાં બનેલા બનાવ બાદ સવારના અરસામાં જ્યારે ઓફિસ ખોલવામાં આવી. ત્યારે તસ્કરીની જાણ થતાં આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે આસપાસના ફૂટેજની ચકાસણી કરી હતી. ધોરાજી ગેલેક્સી ચોકમાં આવેલા ગેલેક્સી કોમ્પલેક્ષમા ત્રીજા માળે આવેલી અને બાર એસોસિયશનના પ્રમુખ વી. વી.વઘાસિયા એડવોકેટ અને નોટરીની ઓફિસના તાળા તોડી તસ્કરોએ રોકડ રકમની તસ્કરી કરી છે. આ અંગે વી. વી. વઘાસીયાએ જણાવ્યું હતું કે સાંજના અરસામાં તેઓ ઓફિસને લોક કરી ઘરે જવા નીકળ્યા હતા. સવારના અરસામાં ઓફિસની જાળી પરનું તાળું અને મેઈન ડોરનું તાળું તૂટેલું હતુ. ઓફિસમાં સ્ટેમ્પ ખરીદવા રાખેલા 73,000 અને બે જોડી ગોગલ્સની તસ્કરી થઈ હોવાનુ જાણવા મળતાં તરત જ ધોરાજી પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ નિરીક્ષણ કર્યું હતુ. નિવેદન નોંધી ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી.