કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં મકાનના તાળા તોડી રૂા.62 હજારની માલમતાની ઉઠાંતરી

કલ્યાણપુર તાલુકાના ભાટીયામાં હર્ષદનગર વિસ્તારમાં એક બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી ત્રાટકેલા તસ્કર રોકડ,દાગીના ઉપરાંત ટીવી સહિત્ રૂ.62 હજારની માલમતા તસ્કરી કરી ગયાની ફરીયાદ લખાવાઇ છે. એકજ રાત્રિના અરસામાં બંધ રહેલા મકાનમાં હાથફેરો કરી જનારા તસ્કરને પકડી પાડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ કલ્યાણપુરના ભાટીયા ગામે હર્ષદનગરમાં પ્રાથમિક શાળા પાસે રહેતા જમનાબેન મુરજીભાઇ કણઝારીયા નામના પ્રૌઢાના રહે઼ણાંક મકાનના તાળા તોડી કોઇ તસ્કર અંદર ધુસ્યા હતા. જે બાદ રૂમમાં કબાટની પણ તિજોરી તોડી અંદરથી રૂ.32 હજારની રોકડ રકમ ઉપરાંત સોના અને ચાંદીના દાગીના અને એક ટેલિવિઝન સહિત રૂ.62 હજારની માલમતા તસ્કરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે. તસ્કરીના આ બનાવની મકાનમાલિકે જાણ કરતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી. પોલીસે ઘરધણીની ફરીયાદના આધારે અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે એકજ રાતના અરસામાં માતબર માલમતા ઉસેડી જનારા અજાણ્યા શખ્સને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. ભાટિયા પંથકમાં શિયાળાની કડકડતી ઠંડીમાં મકાનને નિશાન બનાવી ત્રાટકેલા શખ્સને સકંજામાં લેવા માટે પોલીસે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે.