ધ્રોલ પંથકના અપહરણના ગુનામાં 3 વર્ષથી ફરાર ઈસમ પકડાયો

ધ્રોલ પંથકના અપહરણના ગુનામાં વર્ષ 2018થી ફરાર ઈસમને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે અમદાવાદ જિલ્લાના ટીંબા ગામેથી ઝડપી પાડ્યો હતો. જેનો કબજો ધ્રોલ પોલીસને સુપરત કરાતા તેની પુછતાછ સાથે તપાસ આગળ વધારાઈ છે. જામનગર સ્થાનિક ગુના શોધક શાખાના ઇન્ચાર્જ પીઆઇ એસ. એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પીએસઆઇ બી.એમ.દેવમુરારીના નેતૃત્વમાં પોલીસ ટીમ નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા વર્કઆઉટ કરી રહી હતી. જે વેળાએ સ્ટાફના કાસમભાઇ બ્લોચ, લખધીરસિંહ જાડેજા,અરવિંદભાઇ ગોસાઇ સહિતની ટીમને ચોકકસ માહિતી મળી હતી. જેના આધારે જામનગર પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ધ્રોલના વર્ષ 2018ના અપહરણના ગુનામાં નાસતા ફરતા શખ્સ દિપકકુમાર કમલકુમારસિંગ કુશ્વાહાને અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ટીંબા ગામેથી ઝડપી પાડ્યો હતો. જે નાસતા ફરતા ઈસમને જરૂરી કાર્યવાહી બાદ ધ્રોલ પોલીસને સુપરત કરાયો હતો. આથી ધ્રોલ પોલીસે તેની પુછતાછ સાથે આગળની તજવીજ હાથ ધરી છે.