વડસર નજીક ટ્રક હડફેટે બાઇક આવી જતાં કેરવાંઢના બે જણનાં મૃત્યુ

નલિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8-એ નલિયા નારાયણ સરોવર રોડ પર વડસર ગામ પાસેનાં ખારી નદીનાં પુલ પર ટ્રક તળે બાઇક આવી જતાં કેરવાંઢના બે જણનાં મૃત્યુ નિપજ્યાં હતા. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર બપોરના અરસામાં સાંઘીથી નલિયા તરફ જઇ રહેલી જી.જે. 12 8057 નંબરની ટ્રક હેઠળ બાઇક આવી જતાં વડસર ગામ પાસે બાઇક પર કેરવાંઢ જઇ રહેલા કેર હસણ હાજી આમદ (ઉ.વ. 50)નું બનાવ સ્થળે મૃત્યુ નીપજયું હતું. જ્યારે કાસમ હાજી તારમામદ (ઉ.વ. 60) કેરવાંઢ)ને ગંભીર ઇજાઓ પહોચતા નલિયા રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડાયા હતાં. ભુજ રીફર કરાયેલા કાસમનું ભુજ જતી વખતે માર્ગમાં જ તેમનું મોત નીપજયું હતું. મૃતકોને પોસ્ટ મોર્ટમ માટે નલિયા રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડો. દીપક દુલેરાએ પી.એમ. કર્યું હતું. કેરવાંઢમાં બંને જણનાં મૃત્યુ થતાં પશ્ચિમી છેવાડે આવેલા નાનકડા એવા આ ગામે ગમગીની ફેલાઇ છે. નલિયા પોલીસે બનાવની આગળની કાર્યવાહી હાથ ધરી છે.