ટ્રક-ડમ્પરોની ચોરી કરી ટાયર સહિતનો માલ-સામાન કાઢી લેતા 4 ઇસમોને ઝડપી પાડ્યા


વાગડના ચિત્રોડ ગામે થોડા સમય પહેલા ટ્રકની લુંટ ચલાવી હતી. જે ગુનાનો ભેદ આડેસર પોલીસે ઉકેલી લીધો હતો. જેમાં પકડાયેલા 4 ઇસમોઓએ આ અગાઉ અન્ય 4 ડમ્પરોની તસ્કરી કરી તેમાંથી ટાયર, ડીઝલ વગેરે કાઢી તેને બિનવારસુ ત્યજી દીધી હોવાનું કબુલ્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર નેશનલ હાઇવે પાસેની હોટલો પર બેસી આવતી જતી ટ્રકો પર વોચ રાખી પોતાના ટાર્ગેટમાં રહેલી ટ્રક પાર્કિંગમાંથી તસ્કરી કરી અથવા તેની લુંટ કરી ટાયર, ડીઝલ, બેટરી જેવા સામાન કાઢી ટ્રકોને બિન વારસુ છોડી દેતા તત્વોએ વાગડ વિસ્તારમાં તરખાટ મચાવો હતો. જેમાં થોડા સમય પહેલા જ ચિત્રોડ હાઇવે પર બોલેરો મારફતે આવેલા ઇસમોએ ડમ્પરની લુંટ ચલાવી હતી. જે ગુનામાં સંડોવાયેલા આરોપીઓની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી. જેમાં રાપર તાલુકાના સણવા ગામે રહેતો હનીફ લતીફ નારેજાને આડેસર પોલીસે પકડી પાડ્યો હતો અને બાદમાં તેનો સહઆરોપી માધાપર ખાતે રહેતો આમદ ઉર્ફે ભાભા સિધિક સમાને પણ પકડી પાડવામાં આવ્યો હતો. જે બાદ વધુ પુછપરછ કરતા તેની સાથે સામખિયાળીમાં રહેતો ગુલામ અબ્દુલ સિંધી અને સાંતલપુરમાં રહેતો સમીર જાનમામદ રાઉમા પણ સંડોવાયેલા હોવાનું જણાવતા તમામ ઇસમોઓને પોલીસે પકડી પાડ્યા હતા અને ઇસમોઓ પાસેથી ચિત્રોડ હાઇવે પર લૂટના ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બોલેરો ગાડી અને ડમ્પરના 4 ટાયરો જપ્ત કરવામાં આવ્યા હતા.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.