આદિપુરમાં ઘરફોડ સહિત 2 ચોરીને અંજામ આપનાર બે તસ્કરો ઝડપાયા

આદિપુરમાં તા.15/1 ના રાત્રિના અરસામાં થયેલી ઘરફોડ સહિત બે તસ્કરીને અંજામ આપનાર બે તસ્કરોને પૂર્વ કચ્છ એલસીબીએ ઝડપી પાડી બાઇક, ત્રણ મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂ.59,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઇન્ચાર્જ પીઆઇ કે.એન.સોલંકીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.15/1 ના રાત્રિના અરસામાં આદિપુર બસ સ્ટેશન પાછળ રહેતા શ્રુતિબેન રમેશભાઇ પરમાર સૂતા હતા. તે દરમિયાન ઓશિકા નીચે રાખેલો મોબાઇલ તેમજ કબાટમાં રાખેલા રૂ.18 હજાર રોકડની તસ્કરી થઇ હોવાની ફરીયાદ તેમણે લખાવી હતી. એલસીબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન આ તસ્કરીને અંજામ આપનાર બે ઈસમ આદિપુર જીઇબી પાસે હોવાની મળેલી બાતમીના આધારે અબડાસાના સિંધોડી ગામના કનૈયા ઉર્ફે અઠ્ઠો ઉર્ફે બંદૂકડી ધનરાજ ગઢવી અને આદિપુર ઘોડા ચોકી પાસે રહેતા મોહમ્મદરફીક અનવરકરીમ લાડકાને ઝડપી પાડી આ તસ્કરીમાં ગયેલો રૂ.10,000 નો મોબાઇલ સહિત કુલ રૂ.20,000 ની કિંમતના 3 મોબાઇલ, રૂ.4,000 રોકડા અને એક રૂ.35,000 ની કિંમતના બાઇક સહિત કુલ રૂ.59,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓને રાઉન્ડઅપ કરી વધુ કાર્યવાહી માટે આદિપુર પોલીસને સોંપ્યા હતા. ઝડપાયેલા બન્ને આરોપીઓએ આદિપુરના કેસરનગરમાંથી બે દિવસ પહેલાં બાઇક તસ્કરી કરી હોવાની કેફીયત આપતાં હાલ વધી રહેલી ચોરીના બનાવો વચ્ચે બે ઘટનાનો ભેદ ઉકેલાતાં રાહતનો શ્વાસ પોલીસે લીધો છે.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.