ઊનામાં નિવૃત કર્મીનાં ઘરમાં તસ્કરો ત્રાટક્યા, 42 હજારની મત્તાની તસ્કરી

ઊનામાં તસ્કર ટોળકી ફરી સક્રિય થઈ હોય તેમ રાત્રીનાં અરસામાં બંધ મકાનનાં તાળા તોડી તસ્કરી કરી પલાયન થઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી પોલીસ દ્વારા આ ઇસમોને પકડી લેવામાં આવે તે જરૂરી છે. આ બનાવ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર રજનીકાંતભાઈ ઉર્ફે રાજુભાઈ મોહનલાલ ઉનડકર દેલવાડા રોડ પર નાગનાથ મંદિરની પાછળનાં ભાગે આવેલા મકાનમાં રહેતા હોય અને થોડા દિવસ પહેલા મકાનને તાળુ મારી મંદિરે સેવા પૂજા કરવા ગયા હતા અને સાંજના અરસામાં  પરત ફરતા મકાનનાં દરવાજા, બારીઓ તુટેલી જોવા મળતા તપાસ હાથ ધરી હતી. અને રોકડ 36 હજાર, ચાંદીનાં સિક્કા સહિત કુલ રૂપિયા 42 હજારનાં મુદ્દામાલની તસ્કરી થઈ હોવાનું બહાર આવતા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. અને અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ લખાવી હતી. આમ નિવૃત્ત કર્મચારીનાં ઘરમાં તસ્કરી થતા પોલીસે તસ્કરોને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.